Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોવિડ -૧૯ નિયમ ભંગ કરનારા નાગરિકો -ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી અધધ.. ૬૨ હજાર વસુલાયા

માસ્ક નહી પહેરનારા ૪૨ને ૪૨,૦૦૦નો દંડ : ૧૫૦ રીંગ રોડ પર ચાની હોટલો -પાનની દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સના ભંગ સબબ ૮ દુકાનદારોને ૨૦ હજારનો દંડ ફટકારાયોઃ મ.ન.પા. દ્વારા સતત બીજા દિવસે કડક ચેકીંગ

રાજકોટ,તા.૯: સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, ICCC ના માધ્યમથી જયાં જયાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુર્ત જ દબાણ હટાવ શાખા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આજ તા. ૦૯-૦૯-૨૦૨૦ નારોજ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૪૨ આસામીઓ પાસેથી રૂપિયા ૪૨,૦૦૦/- અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૦૮ ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા ૨૦,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ, કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું હતું કે, ICCCદ્વારા જે જે સ્થળોએ સામાજિક અંતર જાળવવામાં નથી આવતું તેવા સ્થળોના ફોટોગ્રાફ લેવામાં આવે છે, અને તુર્ત જ દબાણ હટાવ શાખાની ટીમને સ્થળ પર મોકલવામાં આવે છે. જયાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ધંધાર્થીઓ પાસેથી દંડ વસુલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવે છે. આજે જેની સામે પગલાં લેવાયા છે તેમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જોગરાણા ટી સ્ટોલ, કરસન ટી સ્ટોલ, કૃણાલ પાન, રવેચી પાન, રામાપીર ચોકડી પાસે દેવજીવન હોટલ એન્ડ પાન,  ડીલકસ પાન, જય દ્વારકાધીશ હોટેલ, નાનામવા મેઈન રોડ પર દ્વારકાધીશ હોટલ એન્ડ પાનનો સમાવેશ થાય છે.

કોરોના સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આપણી અને આપણા પરિવાર માટે ખુબ જ જરૂરી છે. કોરોનાનો ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહયોગ આપીએ. જાહેરમાં જવાનું ટાળો, બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરો, વારંવાર હાથ સાબુથી સાફ કરવા જેવી સાવચેતી જાળવવી ખુબ જ જરૂરી છે.

(3:56 pm IST)