Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોવીડ હોસ્પિટલોના નામે થતી લુંટ પર લગામ રાખવા કોંગ્રેસની રજૂઆત સફળઃ તમામ હોટલ કમ હોસ્પિટલમાં ભાવપત્રક લગાડવા કલેકટરનો હુકમ

કોઈપણ નાગરિક પાસેથી ખોટીરીતે નાણા વસુલવામાં આવ્યા હોય તો શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરોઃ અશોક ડાંગર, મહેશ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા

રાજકોટ, તા.૯: શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, અને ડો.હેમાંગભાઈ વસાવડાએ યાદીમાં જણાવ્યું છે કે શહેરમાં બિલાડીની ટોપની માફક ફૂટી નીકળેલી કોવીડ હોસ્પિટલો(હોટેલો)માં કોરોનાના નામે પ્રજાની સાથે ઉઘાડી લુંટ થઇ રહી હોવાનો આક્રોશ રાજકોટ કલેકટરશ્રી સમક્ષ તા.૨૬ ઓગષ્ટે વ્યકત કર્યો હતો અને રાજકોટની જનતાની વતી લાગણી પણ પહોંચાડી હતી.

રજૂઆતમાં જણાવેલ કે, હોસ્પિટલો દ્વારા હોટલોમાં કોવીડ હોસ્પિટલો ખોલવામાં આવેલ છે ત્યારે ઓકિસજન, વેન્ટીલેટર, ડીફીબ્રીલેટર, જેવી સુવિધાઓ નથી જે હોટલોમાં રૂ.૮૦૦/-માં એસી રૂમ મળતો હોય તેવી હોટલોમાં કોવીડ હોસ્પિટલના નામે રૂ.૮૦૦૦/- દર્દી પાસેથી વસુલી રહી છે અને સુવિધાના નામે મીંડું હોય છે. આથી ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા તા.૨૬ ઓગષ્ટે કલેકટરશ્રીને રજૂઆત કરી અને આવા લુંટ કેન્દ્રો બંધ કરવા માંગણી કરેલ હતી તેમજ સારવાર લઇ રહેલા અને સારવાર લઇ ચુકેલા દર્દીઓના કેસ પર મેડીકલ ઓડીટ કરાવવા અને બીલો પણ ઓડીટ કરાવવા માંગણી કરવામાં આવેલ હતી.

આ રજૂઆત પરત્વે રાજકોટ કલેકટરશ્રીએ હોટલોમાં ચાલતી કોવીડ હોસ્પિટલોમાં ભાવપત્રક લગાડવા અને એક સમાન ચાર્જીસ લેવા સુચનાઓ આપી છે. આથી હવે  ત્યારે રાજકોટ શહેરના કોઈપણ નાગરિક પાસેથી જો ખોટી રીતે ચાર્જીસ વસુલવામાં આવતા હોય તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલયે (મો.૭૫૭૫૦૭૬૯૭૭) ફરિયાદ કરવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને ડો.હેમાંગભાઈ વસાવડાએ અનુરોધ કર્યો છે.

(3:57 pm IST)