Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઉપલેટા નગરપાલીકા દ્વારા બનાવવામાં આવેલ કોમ્યુનીટી હોલમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી બાંધકામ સમિતિના ચેરમેને કામ અટકાવ્યું

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. પ :.. ઉપલેટા નગરપાલીકા દ્વારા વિવિધ લક્ષી વિનય મંદિરના પટાંગણમાં રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટમાંથી શહેરના વિદ્યાર્થીઓ અને નગરજનોને ઉપયોગી થાય તે માટે કોમ્યુનીટી હોલ બનાવવા ૪૮૬ લાખ જેવી જંગી રકમ નગરપાલીકાને ફાળવવામાં આવેલ હતી.

આ રકમ નગરપાલીકાને મળતા નગરપાલીકા દ્વારા વિવિધ લક્ષી વિનય મંદિરના પટાંગણમાં કોમ્યુનીટી હોલ બનાવવા માટેની ટેન્ડરો બહાર પાડી કામ શરૂ કરાવવામાં આવેલ હતું.

આ કામ શરૂ થતા પ્લીન્થ લેવલે આવતા આ કામ નબળું થતી હોવાની ફરીયાદો નગરપાલીકાના સભ્યોએ કરતા નગરપાલીકા બાંધકામ સમિતિના ચેરમેન મયુર ગોવિંદભાઇ સુવાએ સ્થળ ઉપર મુલાકાત લઇ ચેક કરતાં બાંધકામ નબળું હોવાનું પ્રાથમિક તબકે જણાતા તાત્કાલીક ચીફ ઓફીસર અને નગરપાલીકાના એન્જીનીયરને બોલાવી થયેલ કામનું રોજકામ કરાવી જયાં સુધી ચીફ ઓફીસર અને એન્જીનીયરનો રીપોર્ટ ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવા કોન્ટ્રાકટરને જણાવેલ હતું.

આ અંગે નગરપાલીકાના સદસ્ય મયુર સુવાએ પત્રકારોને જણાવેલ હતું કે જે કોમ્યુનીટી હોલનું બાંધકામ થાય છે તેમાં રેતી, કાકરી, નબળી ગુણવતાની વપરાઇ છે. ખીલાસરીની સાઇઝમાં પણ ઘાલમેલ હોવાનું જણાતા આ કામ ને અટકાવેલ છે. આ કામ ૧૧ ટકા ઓનથી આપેલ હોય આ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાતા તેમનું રોજકામ કરાવેલ છે. આ કામ આપવામાં આવેલ તેમણે એક વર્ષમાં આ કામ પુરૂ કરવાનું હતું આ કામ ને આજે આઠ મહીના થયા હોવા છતાં આ કામ પ્લીન્થ લેવલે જ પહોંચેલ છે. એજન્સી સમય મર્યાદામાં આ કામ પુરૂ નહિ કરી શકે તેથી તેમની સામે પગલા લેવાની પણ માંગણી કરેલ છે.

(11:35 am IST)