Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

આરંભડામાં મારા ફ્રેન્ડને ખટપટ કેમ કરી કહી મહિલાને ત્રણ મહિલાએ સાયકલ માથામાં મારી

ખંભાળીયા, તા. પ : આરંભડાના ધરારનગરમાં રહેતી અફસાનાબેન ઉર્ફે રૂબીના અસબિર મલેક (ઉ.વ.ર૬) નામની મુસ્લિમ પરિણિતાએ ઘર પાસે જ રહેતા ભાવનાબેન, તેમની માતા, તેની બહેન અને મુનાભાઇ નામના વ્યકિત સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરીયાદમાં જણાવ્યું છે કે, બાજુમાં રહેતી ભાવનાએ મારા ફ્રેન્ડને મારી ખટપટ કરતા હું અને ફ્રેન્ડ તેને કહેવા જતાં તે ઉશ્કેરાઇ જઇ મારામારી કરવા લાગી હતી. જે બાદ ભાવનાની માતા અને તેમની મોટી બહેન આવી મારા વાળ પકડી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. દેકારો થતા મુનાભાઇ કરીને વ્યકિત આવી મને ગાળો કાઢી ત્યાં પડેલી છોકરાની સાયકલથી માર મારવા લાગ્યો હતો અને મારી પાસે રહેલો ફોન લઇ દિવાલમાં ઘા કરી તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

કલ્યાણપુર-ભાણવડમાં જુગાર રમતા ૧પ ઝડપાયા

કલ્યાણપુરના બામણાસા ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે ભાટીયા પોલીસે દરોડો પાડતા જુગાર રમતા રવિરાજસિંહ ભરતસિંહ વાઢેર, પ્રવિણસિંહ કનુભા વાઢેર, બટુકસિંહ મદારસંગ વાઢેર, નાથુભા મહોમતસિંહ વાઢેર, સહદેવસિંહ અનોપસિંહ વાઢેર, ક્રિપાલસિંહ અનોપસિંહ વાઢેર, વિક્રમસિંહ વિરાજી વાઢેર, સુખુભા કાથળજી વાઢેર, જોરૂભા કાથળજી વાઢેર તમામને ઝડપી લઇ તેમની પાસે રહેલી રોકડ ૧૧,૩૧૦ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં ભાણવડના વાનાવડ ગામે જાહેરમાં જુગાર રમતા નરેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા નટુભા જાડેજા, અરજણ અમરા બાટા, લખમણ મેઘા બગડા, સુરેશ કનુ બાટા, ગોવિંદ નથુ ઘુડા, હેમરાજ કનુ બાટાને રોકડ રૂ. ર૪૬૦ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

ઓખામાં દારૂ સાથે ટાટાનો કર્મી સહિત બે ઝડપાયા

ઓખામાં જકાત નાકા પાસે રોડ પરથી બાઇક નંબર જી.જે. ૩૭ ડી ૯૯૭૯ લઇને પસાર થતાંં બાઇક સવાર બે શખ્સોને રોકી પૂછપરછ કરતા પોતાનું નામ ચિરાગ ઉર્ફે અન્ના દિનેશ પરમાર રહે. ટેલીફોન એક્ષ્ચેંજ પાસે તથા ભાવશભા થાર્યાભા ઉર્ફે બાઘાભા સુમણીયા રહે. ઓખા સ્કૂલ રોડ ખાતે રહેતો હોવાનું જણાવતા પોલીસે તલાશી લેતા કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩ કિ.રૂ. ૯૦૦ની મળી આવતા પોલીસે દારૂની બોટલ, મોબાઇલ તથા બાઇક મળી કુલ રૂ. ર૧,૪૦૦ના મુદામાલ સાથે બન્ને શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

(12:51 pm IST)