Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમરેલી તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની સભામાં

ખેડૂતોની આવક બમણી કરવાનો વિચાર મુકતા મહિલા સહકારી આગેવાન ભાવના ગોંડલીયા

અમરેલી તા. ૮ :.. તાજેતરમાં હોટલ એન્જલ ખાતે અમરેલી તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની સાધારણ સભા મળી હતી. જેમાં એજન્ડા મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સભામાં સમગ્ર તાલુકાના ખેડૂતો અંગે ચિંતા કરતા ખેડૂતોની આવક સહકારી ક્ષેત્રના માધ્યમથી બમણી કરવાના પ્રોજેકટ અંગે ચર્ચા કરેલ હતી. ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર જ એક એવુ માધ્યમ છે જે ખેડૂતોને તમામ સુવિધા તેમજ હકક આપી શકે. જીલ્લાની તમામ સહકારી સંસ્થાઓ એક સાથે મળીને તમામ પ્રશ્નો ઉકેલવા આગળ આવવુ જોઇએ. રાજકારણથી ઉપર ઉઠીને સહકારન માધ્યમથી સ્વરોજગર અને આત્મનિર્ભર બનવુ જોઇએ તે માટે ખેડૂતોનો માલનો ભાવ ખેડૂત પોતે નકકી કરી શકે એવો પ્રોજેકટ ફાર્મર ટુ ફ્રુટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને મંચસ્થ મહાનુભાવોએ સાથે મળીને સહકાર આપવા કટિબધ્ધતા આપી હતી.

આ તકે મોહનભાઇ નાકરાણી, પરેશભાઇ ધાનાણી, પી.પી. સોજીત્રા, દલસુખભાઇ દૂધાત, સાંગાભાઇ સાવલીયા, હરીભાઇ સાંગાણી સહિત હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી ૧૯૮૭ નો વિમો કાનુની  લડતથી સતર વર્ષ પછી અપાવેલ હતો તે યાદ કરીને હાલની પરિસ્થિતિમાં પણ ખેડૂતોને લગતા પ્રશ્ન અંગે અવાજ ઉઠાવવા વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત અતિવૃષ્ટિથી થયેલ નુકશાનનો યોગ્ય સર્વે કરે ખેડૂતોને વહેલીતકે લાભ મળે આ અંગે સહકારી ક્ષેત્રના માધ્યમથી રજૂઆત કરશે.

(11:40 am IST)