Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમરેલીથી અમેરિકા : ખીજડીયા જંકશન ઉપર ટ્રેને અડધો કલાક હોલ્ટ કર્યોને પાન નલિનની કિસ્મત ચમકી

નલીનકુમાર પંડયા કેવી રીતે બન્યા ''પાન નલિન'' સંઘર્ષ ગાથા

અમદાવાદ,તા. ૮: લગભગ ૧૯૭પની આસપાસનો કોઇ શિયાળો! અમરેલી(Amareli)ના બે શિક્ષક-મિત્રો શિવરાત્રીના મેળાની મોજ માણવા જૂનાગઢ જવા માટે અમરેલીથી ટ્રેનમાં બેઠા.રસ્તામાં ખીજડીયા જંકશને ગાડી અર્ધો કલાક હોલ્ટ કરે. પેલા અમરેલીવાળા બે મિત્રો ય નીચે ઉતરીને ચાની લારીએ ચા પીવા ગયા.

દસ-બાર વરસનો એક છોકરો કપ-રકાબી સાફ કરી રહ્યો હતો.પેલા શિક્ષકે પૂછતાં લારીવાળાએ તે પોતાનો દીકરો હોવાનું અને તેને ભણવામાં રસ નહીં હોવાથી અત્રે પિતાને મદદ કરતો હોવાનું જણાવ્યું.શિક્ષકોને રસ પડ્યો ને છોકરાને પૂછ્યું: ” ભણવું ગમતું નથી તો તને શું ગમે છે? ” છોકરાએ ભોળાભાવે કહ્યું: “મને ચિત્રો દોરવાનું બહુ ગમે.” એમ કહીને એ છોકરો સિગારેટનાં ખોખાં ઉપર પોતે દોરેલાં ચિત્રો શિક્ષકોને બતાવવા લાગ્યો.શિક્ષકે પેલા લારીવાળા ભાઇને કહ્યું :” તમારો આ છોકરો ખરેખર પ્રતિભાશાળી છે,અમે એને અમરેલી લઇ જઈ ભણાવશું. અમે જૂનાગઢથી વળતા આવીએ છીએ.”

છોકરાના પિતાએ આ માટે સાનંદાશ્યર્ય સંમતિ આપી ને એ શિક્ષક જૂનાગઢથી વળતા આવીને આ કપ-રકાબી સાફ કરતા છોકરાને પોતાની સાથે અમરેલી લઇ ગયા.એ છોકરાને એનાં મનગમતાં ક્ષેત્રમાં આગળ વધવા માટે તમામ પ્રકારની મદદ કરી. બાદમાં એ યુવાન ફાઈનઆર્ટસ્ નો અભ્યાસ કરવા વડોદરા અને ત્યાંથી પછી મોહમયી મુંબઈ નગરીમાં પોતાની પ્રતિભાને વિકસાવવા જાય છે.

થોડા સમયમાં જ એની પ્રતિભાને પોંખનારા ય મળી જાય છે.આર.કે.લક્ષ્મણની વિખ્યાત કાર્ટૂન સિરિઝ વાગલે કી દુનિયાનું નિર્માણ કરવાની તક મળે છે ને આ સિરિઝની ધરખમ સફળતા બાદ આ યુવાનની પ્રતિભા પરદેશમાં ય પોંખાય છે.આ યુવાન બાદમાં ફ્રાન્સમાં સેટલ થાય છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની ફિલ્મ કળાનું કૌશલ્ય પોંખાય છે.

આ શિક્ષક તે અમરેલીના સુખ્યાત વિદ્વાન પ્રાધ્યાપકો ડો.વસંત પરીખ (Dr. Vasant parikh) અને પેલો કપ-રકાબી સાફ કરનારો છોકરો તે આ વિખ્યાત ફિલ્મ-દિગ્દર્શક PAN NALIN એટલે કે પંડ્યા નલિનકુમાર રમણીકલાલ.આ યુવાને પોતાનું નામ નલિનયથાવત રાખીને પોતાની અટક PANDYA માંથી ત્રણ અક્ષર PAN ને પૂર્વગ તરીકે રાખીને PAN NALIN તરીકે ઓળખાવાનું પસંદ કર્યું.

સૌરાષ્ટ્ર/ગુજરાતનું નામ રોશન કરનાર નલિનભાઇએ The Valley Of Flowers ,Ayurveda, Samsara જેવી ફિલ્મોનાં નિર્માણ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.

પાન નલિનઆજકાલ ગુજરાત/સૌરાષ્ટ્રમાં છે. તેઓશ્રી આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો નાં શૂટિંગ માટે સમગ્ર ફિલ્મ-યુનિટ સાથે અત્રે આવેલ છે. તેમની આ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ને બહુ મોટાપાયા પર બનાવવામાં આવી રહી છે.

(11:54 am IST)