Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જામનગરમાં કોરોના મૃત્યુ આંકમાં મોટા તફાવતથી ખળભળાટ

સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ અંતિમ વિધીના આંકડામાં ફેરફારઃ આદર્શ સ્મશાન ખાતે ૧૭૨ લોકોનાં કોવિડ ગાઇડલાઇન મુજબ અગ્નિસંસ્કારઃ અંતિમ વિધીનો કુલ આંક ૨૧૬

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગરમાં કોરોના નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. હાઈ જામનગરમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે અનેક અસમંજસતાઓ છે. સ્થાનિક મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવતા મૃત્યું આંક અને રાજય સરકાર દ્વારા વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલા મૃત્યુના આંક સામે સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનમાં કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરાયેલ આંકમાં મોટો તફાવત સામે આવ્યો છે.

જામનગરમાં કોરોના નો હાહાકાર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના ની સારવાર દરમિયાન અનેક લોકો મૃત્યુ પામ્યા છે. જામનગર જિલ્લામાં સ્થાનિક તંત્રના આંકડા મુજબ ૭ સપ્ટેમ્બર સુધી કોરોનાથી ૨૬ લોકોના મૃત્યુ થયાનું ઓફિશ્યલ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના કોરોનાથી મૃત્યુ નિપજયા હોવાનું જાહેર કરાયું છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. જેથી જામનગરના સ્થાનિક મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તંત્રના બન્ને આંકડા મુજબ જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૬ લોકોના મૃત્યુ નોંધાયા છે.પરંતુ રાજય સરકારની કોવિડ અંગેની ઓફિશ્યલ વેબસાઈટ પર અત્યાર સુધી ૨૮ લોકોના કોરોનાથી મૃત્યુ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજય સરકાર અને સ્થાનિક તંત્રના આકડાઓમાં પણ ૨ મૃત્યુ નો તફાવત સામે આવી રહ્યો છે.

આ અંગે જામનગરના મુખ્ય સ્મશાનગૃહ ખાતે ત્યાંના રજીસ્ટરમાં કોવિડ ગાઈડલાઈન મુજબ કરાયેલા અંતિમવિધિનો આંકડો પણ જોયો ત્યારે મોટો તફાવત સામે આવ્યો છે.

જામનગરમાં બે સ્મશાનો આવેલા છે. જેમાં નગનાથ ગેઇટ વિસ્તારમાં આવેલ મુખ્ય સમાજ સેવક મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાન અને ગાંધીનગર પાસે આવેલ મોક્ષ મંદિરના ટ્રસ્ટીઓ પાસે પણ અત્યાર સુધીમાં કોવિડના મૃતદેહોના અંતિમ સંસ્કાર અંગે માહિતી મેળવવામાં આવી તેમાં પણ સરકારી આંકડાઓ અને અગ્નિ સંસ્કાર કરાયેલ આકડાઓમાં મોટો તફાવત સામે આવ્યો છે.

જામનગરના સ્મશાનગૃહો અને વ્હોરા સમાજ તેમજ મુસ્લિમ સમાજના મુખ્ય કબ્રસ્તાનમાંથી તા.૭ સપ્ટેમ્બર સુધીમાં કોવિડ ગાઈડલાઈન મુજબ જે અંતિમવિધિ કરવામાં આવી તેનો આંકડો મેળવવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય સમાજ સેવક મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાન ખાતે આજ સવાર સુધીમાં ૧૭૨ લોકોના કોવિડ ગાઈડલાઈન મુજબ અગ્નિસંસ્કાર કરાયા હોવાનું સામે આવ્યું હતું. જયારે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ મોક્ષ મંદિર ખાતે ૩૬ મૃતદેહોને કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમસંસ્કાર કરાયા છે. આ ઉપરાંત જામનગરના વ્હોરા સમાજના ૨ લોકોની કોવિડ ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરવામાં આવી છે. સાથે સાથે જામનગરના લાલવાડી વિસ્તાર અને શંકર ટેકરી ખાતે આવેલ કબ્રસ્તાનમાં ૬ મૃતદેહોને કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે. જેથી જામનગરમાં કોવિડ ગાઈડલાઈન મુજબ કરાયેલ અંતિમવિધિનો કુલ આંક ૨૧૬ સામે આવ્યો હતો.(તસવીરો-કિંજલ કારસરીયાઃજામનગર)

(12:49 pm IST)