Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના કેસ વધતા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અમરેલીની મુલાકાતે

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કેસ વધતા લોકોમાં ચિંતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૯ : અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતિ વચ્ચે આજ સુધી રાજ્યમાંથી કોઇ ઉચ્ચ અધિકારીએ અમરેલીની મુલાકાત લીધી નથી જેના કારણે રાજ્યમાં કોરોના ઉપર કાબુ મેળવવામાં સરકાર સફળ થઇ છે તેવા સતત ૨૦ કલાક સુધી કામ કરનારા અને દરેકને સાંભળી વ્યવહારૂ ઉકેલ લાવનાર રાજ્યનાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે અમરેલીમાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓના મોડા સારવારમાં આવવાના કારણે મૃત્યુદરનો ગ્રાફ ઉંચો જાય છે તે આરોગ્ય તંત્રની સામે મોટા પડકાર છે તેવા સમયે અમરેલીમાં ટેસ્ટ માટે લોકોને બહાર લાવવા એકશન પ્લાન જરૂરી બન્યો છે અને રાજ્યના આરોગ્ય કમિશનરશ્રી જયપ્રકાશ શિવહરે મંગળવારે ભાવનગરમાં હોય આજે તે અમરેલી આવી અને આરોગ્ય તંત્રની કામગીરીની સમીક્ષા કરી આરોગ્ય તંત્રને માર્ગદર્શન આપનાર હોવાનું અને તેમના માર્ગદર્શનનો વધુ લાભ અમરેલી જિલ્લાને મળે તેવી આશા પણ જન્મી છે અને તે અમરેલીની કોવિડ હોસ્પિટલોની પણ મુલાકાત લઇ ચકાસણી કરનાર હોવાનું જાણવા મળેલ છે.

કોરોનાના કેસ વેગ પકડી રહ્યા છે ત્યારે અમરેલી શહેરના ખૂણેખૂણે કોરોનાનો પંજો પહોંચ્યો છે. કાલે મંગળવારે કોરોનાના નવા ૨૭ કેસ જિલ્લામાં નોંધાયા હતા.

આ ઉપરાંત વડીયાના હનુમાન ખીજડીયા ગામના ૬૦ વર્ષના વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું તથા સાવરકુંડલાના ૭૫ વર્ષના વૃધ્ધાનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું અને શહેરમાં ગીરીરાજ સોસાયટી, મોટા ભંડારીયા, નવા પીપરીયા, અમૃતનગર, કુંડલા રોડ, ટાવર પાસે મૂળદાસબાપુની ગલી, દાનેવ ચોક, માણેકપરા, સાવરકુંડલામાં ગજાનંદપરા અને ગ્રામ સેવા સોસાયટીના શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે. જ્યારે ચાવંડ ચેકપોસ્ટ ઉપર દોઢ હજાર લોકોની આજે એન્ટ્રી થઇ હતી. જેમાંથી ૪૦ લોકો બિમાર મળ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા ધનવંતરી રથથી ૪૧૯૭ લોકોની તપાસ કરાઇ હતી અને તેમાં પણ ૪૭ લોકો બિમાર મળ્યા હતા. અમરેલી જિલ્લામાં કોરોનાના ૨૭ કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૪૭૮ થઇ છે અને ૧૨૧૧ લોકોને રજા અપાઇ છે અને સત્તાવાર રીતે ૨૮ મૃત્યુ થયા છે તથા ૨૩૯ દર્દીઓ સારવારમાં છે.

(12:49 pm IST)