Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જુનાગઢમાં દવાની જથ્થાબંધ દુકાનમાં બેઝબોલ - ધોકા -પાઇપ વડે તોડફોડ

યુવતિના મામા સહિત ત્રણ સામે ફરિયાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૯ : જુનાગઢના એક દવાની જથ્થાબંધ દુકાનમાં યુવતિના મામા સહિત ત્રણ શખ્સોએ બેઝબોલના, ધોકા તથા પાઇપ વડે તોડફોડ મચાવી ભારે નુકશાન કરીને વેપારીને ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલી ગોલ્ડન ટ્રેડ સેન્ટર નામના શોપીંગ સેન્ટરમાં શિખર એન્ટરપ્રાઇઝ નામની દવાની જથ્થાબંધ દુકાન ધરાવતા રફીકભાઇ તૈયબ સુમરા (ઉ.૩૮) એ જુનાગઢના કિશોરભાઇ વડીયાતર, ગૌતમ કિશોર વડીયાતર અને મિતલ નામની યુવતિના મામા સામે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ.

જેમાં વેપારી રફીક સુમરાએ જણાવેલ કે, તેની દુકાને ફેઝલખાન સલીમખાન પઠાણ નામના શખ્સ સાથે મિતલ નામની યુવતિ હતી.

આ દરમ્યાન રાત્રીના ૮-૩૦ ના અરસામાં ત્રણેય શખ્સો મિતલને  લેવા આવેલ.

બાદમાં આ ઇસમોએ ઉશ્કરાઇ જઇને લોખંડના પાઇપ તથા બેઝબોલના ધોકા વડે દુકાનના કાચના ફર્નિચરમાં સીપીયુ મોનીટર, એલઇડી ટીવી વગેરેની તોડફોડ મચાવી સીપીયુમા રહેલ સોફટવેર તેમજ ધંધાકીય નાણાકીય વ્યવહારોના રેકર્ડને નુકશાન પહોંચાડયું હતું.

આ પછી ત્રણેય જણા પોલીસમાં કેસ ન કરતા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા વેપારીની ફરીયાદના આધારે પોલીસ જમાદાર એન.આર. ભેટારીએ તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)