Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

એ સમય મારા માટે જેલ કરતાં પણ વધારે અઘરો હતો

કોંગી નેતા ભરતસિંહ સોલંકી કોરોના સામેનો જંગ જીત્યાઃ હોસ્પિટલમાંથી રજા અપાઇ : હું જયારે લોકો વચ્ચે ફરતો હતો ત્યારે એવુ લાગતુ ન હતુ કે આવુ કંઇક થઇ શકે, મારા પહેલા અને અત્યારના ફોટામાં તમને તફાવત સ્પષ્ટ પણે જોવા મળશેઃ કોરોનાથી બચવા માસ્ક જરૂર પહેરજો, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરજો

અમદાવાદઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી દીધી છે. ૧૦૧ દિવસ સુધી હોેસ્પિટલ ખાતે  તેમની સારવાર ચાલી હતી. આજે  ૧૦૨માં દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ ડોકટર્સ  અને હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું હતું કે, તેમને આ નવું જીવન મળ્યું છે. આ ઉપરાંત તેમણે લોકોને માસ્ક   પહેરવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ   જાળવી રાખવાની અપીલ પણ કરી હતી. ભરતસિંહે લોકોને ટકોર કરતા કહ્યું છે કે, કોરોના કોઈને પૂછીને નથી આવતો. આ માટે તકેદારી જરૂરી છે.

 રાજયસભાની ચૂંટણી બાદ ભરતસિંહ કોરોના પોઝિટિવ જણાયા હતા. શરૂઆતમાં તેઓને વડોદરા ખાતે સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમની તબિયતમાં સુધારો ન થતાં તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. કોરોના ઉપરાંત ભરતસિંહ સોલંકીને હાઈ બ્લડપ્રેશર, કીડની અને દમની સમસ્યા હતી. ભરતસિંહ ૨૪ જૂનના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદમાં તેઓને વડોદરાના માંજલપુર બેન્કર્સ સુપર સ્પેશિયલાટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદમાં તેઓને સાતમી જુલાઈના રોજ અમદાવાદની CIMS હોસ્પિટલ ખાતે ખેસેડવામાં આવ્યા હતા. અહીં તેમની સતત સારવાર ચાલી હતી. આ દરમિયાન તેઓ સતત ૫૧ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા.

 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પહેલા ભરતસિંહે મીડિયા સાથેની વાતચીતમાં ડોકટર્સનો આભાર માન્યો હતો. તેઓએ જણાવેલ કે 'મને નવું જીવન મળ્યું છે. આ તકે હું ડોકટર્સ અને નર્સિંગ સ્ટાફનો ખૂબ આભારી છું. કોંગ્રેસના લાખો કાર્યકરોએ મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. મારા માટે આ એક ચમત્કાર જ છે. હોસ્પિટલમાં જીવીશું કે મરીશું એવા સતત વિચારો આવતા હતા. સારવાર દરમિયાન અનેક મેડિકલ પ્રશ્નો પણ ઊભા થયા હતા. મારા માટે આ જેલ કરતા પણ વધારે અદ્યરો સમય હતો. 

 ભરતસિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, 'આખી દુનિયા આ રોગના ભરડામાં છે. આ રોગ ભયંકર હોવા છતાં જે લોકો હિંમત નથી હારતા અને ડોકટર્સની સૂચના પ્રમાણે કામ કરે છે તેઓ ચોક્કસ સાજા થાય છે. હું જયારે લોકો વચ્ચે ફરતો હતો ત્યારે એવું લાગતું ન હતું કે આવું કંઈક થઈ શકે. મારા પહેલાના અને અત્યારના ફોટોમાં તમને તફાવત સ્પષ્ટ નજરે પડતો હશે. હોસ્પિટલમાં રાત-દિવસ દીવાલ અને લાઇટો જોઈને સમય કાઢ્યો છે. બાકીનો સમય ભગવાનો ભરોસો કાઢ્યો છે. લોકોને મારી પ્રાર્થના છે કે કોરોના પૂછીને નથી આવતો. હું ખૂબ આત્મવિશ્વાસમાં હતો. મને હતું કે મને કંઈ નહીં થાય. કારણ કે મને તાવ સિવાય કંઈ ન હતું. હું લોકોને અપીલ કરું છું કે કોરોનાથી બચવા માટે માસ્ક જરૂર પહેરે. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ એટલું જ જરૂરી છે. 

અહેમદ પટેલે ભરતસિંહના ખબર અંતર પૂછ્યા

 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ફોન કરીને ભરતસિંહના ખબર અંતર પૂછ્યા છે. બીજી તરફ કોેંગ્રેસ નેતા અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ   સીમ્સ ખાતે ભરતસિંહની મુલાકાત લીધી હતી.

(3:14 pm IST)