Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં વરસાદઃ સૌથી વધુ નર્મદાના સાતબારામાં 2 ઇંચઃ સવારે 8 વાગ્‍યાથી સર્વત્ર મેઘરાજાનો વિરામ

ગાંધીનગર: રાજ્યમાં આજે સવારથી વરસાદે સંપૂર્ણ વિરામ લીધો છે. સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન માત્ર 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાતબારામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો વડોદરાના વડોદરા શહેર, જૂનાગઢના માળીયા અને સુરતના કામરેજમાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના બાકીના તાલુકામાં વરસાદ નહિવત છે. આમ, વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો લીધો છે. કારણ કે, કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતું. તો બીજી તરફ નર્મદા નદીનું જળ સ્તર પણ ઘટી ગયું છે. નર્મદા નદીના જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે સાંજે 7 વાગે સપાટી 25.5 ફુટ નોંધાઈ હતી. જેથી ભરૂચવાસીઓએ પણ હાશકારો લીધો હતો.

આજથી ખેડૂતોનો સરવે શરૂ થશે

ગુજરાતના 58 લાખ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આજથી તમામે તમામ 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં જ્યાં પણ અતિવૃષ્ટિથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અથવા તો ખેતીમાં નુકસાન થયું છે તેનો સર્વે કરવાની શરૂઆત કરવામાં આવશે. રાજકોટ અને મોરબી જિલ્લામાં તો ગઈ કાલે કેબિનેટની બેઠકમાં સર્વે કરવાનો આદેશ આપ્યા બાદ તરત જ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સર્વે કરવા માટે ટીમોની રચના કરવામાં આવી છે અને 15 દિવસમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બર સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં સર્વે હાથ ધરાશે. અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં સર્વે થશે. આ સિવાય મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે થશે. ભાવનગર અને પોરબંદર જિલ્લામાં પણ પાક નુકસાનીનો સર્વે થશે. દરેક જિલ્લામાં સર્વે કરવા માટે ટીમોની રચના કરવામાં આવી છે. કચ્છની વાત કરીએ તો અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપર તાલુકાનાં ગામડાંઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવશે. કચ્છમાં આ વખતે છેલ્લાં 20 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેથી ખરીફ પાકમાં અને બાગાયત ખેતીમાં નુકસાન થયું છે.

નર્મદા જિલ્લામાં સૌથી વધુ નુકસાની

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. આ માટે ટીમની રચના કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં છોડવામાં આવેલા પાણીથી પણ ભરૂચ અને નર્મદા જિલ્લામાં નુકસાની થઈ થઈ છે તેને પણ ધ્યાને લેવામાં આવશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનાં ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે. 15 દિવસમાં સર્વે પૂર્ણ કરીને રાજ્ય સરકાર ખેડૂતોને સહાય ચુકવશે. ખેડૂતોને મળનારી સહાય સીધી જ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

કપાસના પાકને સૌથી વધુ હાનિ

આ વર્ષે ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિથી જે વાવેતરને સૌથી વધુ નુકસાન થયું છે તેમાં રોકડિયો પાક ગણાતા કપાસનું વાવેતર છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં કપાસનું મોટા પાયે વાવેતર થયું છે. તો સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને ભારે વરસાદથી નુકસાન થયું છે. તેલિબિયાં પાકોને મોટું નુકસાન થયું છે. જે ખેડૂતોએ તલ વાવ્યા હતા તેમાં નુકસાની થઈ છે. જુવાર, મકાઈ, કઠોળ પાકોને પણ નુકસાન થયું છે. દરેક જિલ્લામાં અને તાલુકામાં પાક નુકસાનીનો સર્વે કરવાના આદેશ બાદ આજથી ટીમો સ્થળ મુલાકાત કરીને ખેડૂતો સાથે વાત કરીને રિપોર્ટ તૈયાર કરશે. દરેક જિલ્લાનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ નુકસાનની ટકાવારી પ્રમાણે ખેડૂતોને સહાય ચુકવાશે.

બાગાયતી પાકને પણ મોટાપાયે નુકસાન

પહેલાં મેઘમહેર અને પછી મેઘકહેર... અતિવૃષ્ટિ અને ઉપરવાસના પાણીએ બાગાયત ખેતી કરનારા ખેડૂતોને પણ બેહાલ કરી નાખ્યા છે. દક્ષિણ ગુજરાતમાં કેળાંની ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પપૈયાંની ખેતી કરતા ખેડૂતોને ભારે વરસાદથી મોટું નુકસાન થુયં છે. એ જ રીતે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં દામડની ખેતી કરતા ખેડૂતોને સતત વરસાદથી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સતત 15 દિવસ વરસાદથી દાડમના ફળમાં નુકસાન જોવા મળી રહ્યું છે. સુકારાનો રોગ પણ જોવા મળ્યો છે. કેળાંના ટીશ્યુને પણ નુકસાન થયું હોવાથી ખેડૂતો રાજ્ય સરકાર પર મોટી આશા રાખીને બેઠા છે. રાજ્ય સરકારે પણ 15 દિવસમાં સર્વે પૂર્ણ કરીને ખેડૂતોને સંકટના સમયમાં મદદ કરવાની ખાતરી આપી છે.

(5:10 pm IST)