Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ખાડાવાળા રસ્તાને કારણે અકસ્માત માટે વાહનચાલક જવાબદાર ગણાશે

અગાઉ, પોલીસ જીવલેણ માર્ગ અકસ્માતોના કિસ્સામાં બેદરકારીથી મોતને ઘાટ ઉતારવા બદલ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ-૩૦૪ છ હેઠળ ગુનો દાખલ કરતી હતી પરંતુ હવે આ પ્રકારના ડ્રાઇવરો પર કલમ-૩૦૪ હેઠળ બેદરકારીથી થયેલ મૃત્યુ બદલ ગુનો દાખલ કરવામાં આવે છે : કલમ-૩૦૪માં આજીવન કેદની સજા અને સરળતાથી જામીન નહીં મળે તેવી જોગવાઈ છે

અમદાવાદ તા. ૪ : જો શહેરમાં ખરાબ અને ખાડાવાળા રસ્તાને કારણે જીવલેણ અકસ્માત સર્જાશે તો તે માટે પોલીસ ડ્રાઇવરને ખલનાયક-જવાબદાર માનશે. આ પ્રકારના જીવલેણ માર્ગ દુર્ઘટના અંગે પોલીસનો તર્ક એવો છે કે, જો રસ્તો સારો- સ્મૂધ ન હોય તો ડ્રાઇવિંગ સારું હોવું જોઈએ. અગાઉ, પોલીસ જીવલેણ માર્ગ અકસ્માતોના કિસ્સામાં બેદરકારીથી મોતને ઘાટ ઉતારવા બદલ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ-૩૦૪ છ હેઠળ ગુનો દાખલ કરતી હતી. પરંતુ હવે આ પ્રકારના ડ્રાઇવરો પર કલમ-૩૦૪ હેઠળ બેદરકારીથી થયેલ મૃત્યુ બદલ ગુનો દાખલ કરવામાં આવે છે. કલમ-૩૦૪માં આજીવન કેદની સજા અને સરળતાથી જામીન નહીં મળે તેવી જોગવાઈ છે. સજા ફટકારવાના સમયે ૧૦ વર્ષ સુધી જેલ અને રૂ. ૧ લાખ સુધીનો દંડ ફટકારી શકાય છે.

જો કોઈ ડ્રાઇવર બેદરકારીથી ડ્રાઇવિંગ કરે જેના કારણે વ્યકિતનું મૃત્યુ થાય અથવા ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજે તેવી શકયતા હોય, તેવા કિસ્સામાં કલમ-૩૦૪ લાગુ કરાશે. બીજી બાજુ, કલમ-૩૦૪છમાં બે વર્ષની જેલ અથવા દંડ અથવા બન્ને થઈ શકે તેવી જોગવાઈ છે. અમદાવાદ શહેર જોઇન્ટ પોલીસ કમિશનર ટ્રાફિકે કહ્યું કે, નવા ધોરણોને લીધે વાહનચાલકોને વધુ સાવચેત રહેશે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશે. જો ખરાબ રસ્તા પર અકસ્માત સર્જાવાની શકયતા છે તેની જાણકારી હોવા છતાં કોઈ વ્યકિત ખૂબ ઝડપથી અને બેફામ ડ્રાઇવિંગ કરે તો તેણે કડક આરોપોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ભૂતકાળમાં બે મોટરસાઇકલ ચલાવનારે પિલિયન રાઇડર સાથે આડેધડ બાઇક ચલાવવા બદલ તેમની સામે કલમ-૩૦૪ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ સેકશનમાં એવી જોગવાઈ દાખલ કરીને વ્યકિત કફ સિરપ પીને ડ્રાઇવિંગ કરે અને તેની અસર હેઠળ જીવલેણ અકસ્માત સર્જાવાને કારણે તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. સિટી ટ્રાફિકે જણાવ્યું છે કે, ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ-વડોદરા એકસ્પ્રેસ હાઇવે નજીક ૧૮ વર્ષની યુવતીને એક વાહને ટક્કર મારી હતી ત્યારે આ પ્રકારનો પહેલો કેસ દાખલ કરાયો હતો. ખરાબ રસ્તા અંગે સત્તાવાળાઓ સામે કેમ ગુનો દાખલ કરાતો નથી તેવા પ્રશ્ને કહ્યું કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાના લોકો અથવા કોન્ટ્રાકટરો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું પ્રસ્થાપિત કરવામાં ઘણાં કાનૂની પ્રશ્નો સર્જાશે.

(12:59 pm IST)