Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

શિક્ષક દિન નિમિત્તે કાલે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” વિતરણ સમારોહ

રાજ્યના વિવિધ ૪૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરાશે

અમદાવાદ : શિક્ષક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ તા. ૫ સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં દર વર્ષે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે કાલે તા. ૫ સપ્ટેમ્બર શનિવારના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય મહેમાન પદે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે.
નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે સવારે ૧૧.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ૪૪ શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એવોર્ડ આપી રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સન્માનિત થનાર શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિત  રહેશે તેમ, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.

(6:08 pm IST)