Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુશાંત રાજપૂતના કેસમાં સીબીઆઈના નામે પ્રસિદ્ધ થયેલા અહેવાલોને એજન્સીએ ફગાવી દીધા : કહ્યું કે આ અહેવાલો તથ્ય આધારિત નથી : એજન્સીએ કોઈ વિગતો જાહેર કરી નથી : સત્તાવાર નિવેદન જાહેર થયું

એજન્સીએ પુનરોચ્ચાર કર્યો કે ચાલી રહેલી તપાસની વિગતો સીબીઆઈ શેર કરતી નથી

નવી દિલ્હી : સીબીઆઈએ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ સાથે જોડાયેલા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે.  સીબીઆઈએ કહ્યું છે કે આ અહેવાલો તથ્યોના આધારે નથી.  ગુરુવારે આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીનું આ પ્રથમ સત્તાવાર નિવેદન જાહેર થયું છે.

મોડી સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં સીબીઆઈએ કહ્યું કે તે સુશાંતના મૃત્યુના કેસની વ્યવસ્થિત અને પ્રોફેશનલ રીતે તપાસ કરી રહી છે. સીબીઆઈએ કહ્યું કે સીબીઆઈ તપાસથી સંબંધિત કેટલાક મીડિયા અહેવાલો માત્ર અટકળો પર આધારિત છે અને તે તથ્યોના આધારે નથી. એજન્સીએ પુનરોચ્ચાર કર્યો કે ચાલી રહેલી તપાસની વિગતો સીબીઆઈ શેર કરતી નથી.

તપાસ એજન્સીએ કહ્યું કે, તપાસની વિગતો સીબીઆઈના પ્રવક્તા અથવા કોઈ ટીમના કોઈ સભ્ય દ્વારા મીડિયા સાથે શેર કરવામાં આવેલ નથી. જે વિગતો મીડિયા દ્વારા આપવામાં આવી રહી છે અને સીબીઆઈ દ્વારા આપવામાં આવ્યાનું જણાવાય છે તે કોઈ પણ વિગતો વિશ્વસનીય નથી.

આ અગાઉ બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે કહ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસના કેસમાં કોઈ માહિતી પ્રકાશિત કરતા પહેલા મીડિયા સંસ્થાઓએ સંયમ રાખવાની અપેક્ષા રાખી એ છીએ.

ન્યાયાધીશ એ.એ. સૈયદ અને એસ પી તાવડેની ખંડપીઠે કહ્યું કે મીડિયાએ કેસની જાણ એવી રીતે કરવી જોઈએ કે તેની તપાસ પર અસર ન પડે. રાજપૂતનાં મોતનાં મામલામાં મીડિયા ટ્રાયલ્સ ચાલી રહી હોવાનો દાવો કરતી બે અરજીઓ પર અદાલત સુનાવણી કરી રહી હતી.

આ અરજીઓમાં મીડિયા ટ્રાયલ્સ રોકવાની માંગણી કરતી, આમાંની એક અરજી મુંબઈ પોલીસ વિરુદ્ધ ચલાવાઇ રહેલા કથિત અન્યાયી, ખોટા અને દૂષિત મીડિયા અભિયાન વિરુદ્ધ આઠ પૂર્વ આઈપીએસ અધિકારીઓએ દાખલ કરી છે.

નોંધનીય છે કે અભિનેતાની લાશ 14 જૂને મુંબઇના બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાને મળી હતી. સુશાંતને આત્મહત્યા કરવા પ્રેરિત કરાયાનો આરોપ લગાવતી  બિહાર પોલીસ સમક્ષ થયેલ એફઆઈઆર કેસની તપાસની જવાબદારી સીબીઆઈએ સાંભળી એક પ્રાથમિક એફઆઈઆર પણ નોંધી છે.

(8:49 am IST)