Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કુલદીપ સેંગર દુષ્કર્મ કેસમાં નવો વળાંક : CBI એ તત્કાલીન DM અને 2 SPને દોષી ઠેરવી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા ભલામણ કરી

લખનઉ: ઉન્નાવ (Unnao Rape Case)ના ખૂબ જ ચર્ચિત કુલદીપ સિંહ સેંગર (Kuldeep Singh Sengar) દુષ્કર્મ કેસમાં એક મહત્વનો વળાંક આવ્યો છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશન (CBI)ની ટીમે આ મામલે જિલ્લાના તત્કાલીન મોટા અધિકારીઓને દોષી ઠેરવ્યાં છે. CBIએ IAS અદિતિ સિંહ, IPS પુષ્પાંજલિ સિંહ અને નેહા પાંડેયને આ કેસમાં બેદરકારી દાખવવા બદલ દોષી માન્યા છે.

CBIએ આ મામલે એવા અધિકારીઓ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. વાસ્તવમાં 2009ની બેંચના IAS ઓફિસર અદિતિ સિંહ 24 જાન્યુઆરી 2017થી 26 ઓક્ટોબર 2017 સુધી ઉન્નાવમાં ફરજ પર હતા. આ દરમિયાન દુષ્કર્મ પીડિતાએ અનેક વખત ફરિયાદ પણ કરી હતી. જો કે તેના પર ધ્યાન આપવામાં આવ્યું નહતું. અદિતિ હાલ હાપુડના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ છે.

જ્યારે 2006ની બેંચના IPS ઓફિસર પુષ્પાંજલિ સિંહ પણ ઉન્નાવના SP હતા. તેમના પર આરોપ છે કે, તેમણે પીડિતાની ફરિયાદ સાંભળી નહતી. આ સાથે જ જ્યારે કુલદીપ સિંહ સેંગરની ભલામણ પર પીડિતાના પિતાને ફટકારવામાં આવ્યા અને પછી તેમનું મોત નીપજ્યું હતું. આ કેસને પણ તેમણે દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તપાસમાં બેદરકારી દાખવી હતી. પુષ્પાંજલિ હાલમાં SP રેલવે ગોરખપુર છે.

2009 બેંચની IPS નેહા પાંડેય પણ ઉન્નાવમાં SP રહી ચૂક્યાં છે. તેમના ઉપર પણ બેદરકારી દાખવવાનો આરોપ છે. જે હાલ IBમાં ફરજ બજાવે છે. આ મામલે CBI તપાસ છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી હતી. આ લોકો દોષી ઠેરવ્યા બાદ હવે સરકાર નિર્ણય લેશે કે, આખરે ક્યારે અને કેવી રીતે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

(6:32 pm IST)