Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક રૂ.૭૫૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે

ભારત માટે વ્યાપક અને પરિવર્તનશીલ ન્યૂ કોમર્સ મોડલમાં વિશ્વના સૌથી મોટા ટેકનોલોજી રોકાણકારે પુનઃ વિશ્વાસ વ્યકત કર્યો : -૪.૨૧ લાખ કરોડનું ઈકિવટી મૂલ્ય ધરાવતા RRVLમાં ૧.૭૫ ટકાનો હિસ્સો મેળવશે * લાખો નાના વેપારીઓ સાથે ભાગીદારી કરી ભારતીય રીટેલ સેકટરમાં ગ્રાહકોને સારામાં સારી સેવાઓ આપવાનો અમારો પ્રયાસઃ મુકેશ અંબાણી

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા  જાહેરાત કરવામાં આવી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RRVLનું સિલ્વર લેક રૂ.૭૫૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે. આ મૂડીરોકાણે RRVLનું પ્રી-મની ઇકિવટી મૂલ્ય રૂ.૪.૨૧ કરોડ આંકયું છે. આ મૂડીરોકાણથી RRVLમા ંસિલ્વર લેક ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર ૧.૭૫ ટકાનો હિસ્સો મેળવશે.

આ વર્ષની શરૂઆતમાં જિયો પ્લેટફોર્મ્સમાં ૧.૩૫ બિલિયન અમેરિકી ડોલરના મૂડીરોકાણ બાદ સિલ્વર લેક દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં બિલિયન ડોલરનું બીજું મૂડીરોકાણ છે.

RRVLની પેટાકંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ ભારતમાં સૌથી વિશાળ, સૌથી ઝડપી વિકસતા અને સૌથી નફાકારક રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે જેના સમગ્ર દેશમાં ૧૨,૦૦૦ સ્ટોર આવેલા છે અને તેમાં ૬૪૦ મિલિયન ફૂટફોલ્સ નોંધાય છે. લાખો ગ્રાહકો તથા ખેડૂતો, માઇક્રો, સ્મોલ અને મીડિયમ વેપાર-વ્યવસાયો (MSMEs)નું સશકિતકરણ કરવાની વ્યાપક રણનીતિ દ્વારા ભારતીય રિટેલ સેકટરને વેગવંતુ બનાવવાની રિલાયન્સ રિટેલની નેમ છે. એટલું જ નહીં વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી કરી ભારતીય સમુદાય સુધી તેના લાભ પહોંચાડવાની સાથે સાથે લાખો ભારતીયો માટે રોજગારીનું સર્જન કરવાનું અને તેને સંરક્ષિત કરવાની પણ નેમ રાખવામાં આવી છે. રિલાયન્સ રિટેલે તેની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજીથી નાના અને અસંગઠિત વેપારીઓનું પરિવર્તનકારી ડિજિટલાઇઝેશન શરૂ કરી દીધું છે અને આ નેટવર્કને ૨૦ મિલિયન વેપારીઓ સુધી વિસ્તારવામાં આવશે. તેનાથી આ વેપારીઓને પોતાના ગ્રાહકો સુધી સર્વોત્તમ સેવાઓ પહોંચાડવામાં ટેકનોલોજીની અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રકચરની મદદ પૂરી પાડવામાં આવશે.

૬૦ બિલિયન ડોલરની એસેટ્સ અંડર મેનેજમેન્ટ અને મૂડી તથા વિશ્વની મહાન ટેકનોલોજી અને ટેકનોલોજી આધારિત કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી સિલ્વર લેક મોટાપાયે ટેકનોલોજી કંપનીઓમાં રોકાણ કરે છે. વિશ્વ કક્ષાનું મેનેજમેન્ટ ધરાવતી કંપનીઓ સાથે ભાગીદારી કરી તેના વિકાસ-વિસ્તારમાં સહયોગ આપવો એ તેનું મિશન છે. એરબીએનબી, અલીબાબા, આલ્ફાબેટની વેરિલી એન્ડ વાયમો યુનિટ, ડેલ ટેકનોલોજીસ, ટ્વિટર અને આવી અન્ય ટેકનોલોજી આધારિત વૈશ્વિક કંપનીઓમાં તેણે મૂડીરોકાણો કર્યા છે.

સિલ્વર લેક સાથેના જોડાણ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, લાખો નાના વેપારીઓ સાથે ભાગીદારી કરી ભારતીય રિટેલ સેકટરમાં લાખો ભારતીય ગ્રાહકોને મૂલ્યવાન સેવાઓ પહોંચાડવાના અમારા પરિવર્તનશીલ પ્રયાસમાં સિલ્વર લેક સાથેની અમારી ભાગીદારી આગળ વધતાં હું ખૂબ જ આનંદિત છું. અમે માનીએ છીએ કે આ સેકટરમાં બહુ જરૂરી પરિવર્તન લાવવામાં ટેકનોલોજી ચાવીરૂપ ભૂમિકા અદા કરશે જેનાથી રિટેલ ઇકોસિસ્ટમના અલગ અલગ હિસ્સા વિકાસનું એક વ્યાપક પ્લેટફોર્મ તૈયાર કરી શકશે. ભારતીય રિટેલમાં અમારા વિઝનને અમલી બનાવવામાં સિલ્વર લેક એક મૂલ્યવાન ભાગીદાર બની રહેશે.

આ મૂડીરોકાણ અંગે  સિલ્વર લેકના કો-સીઇઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રી એગોન ડર્બને કહ્યું હતું કે, આ મૂડીરોકાણ દ્વારા રિલાયન્સ સાથે અમારા સંબંધોને વધુ ગાઢ બનાવતાં અમને આનંદ થાય છે. રિલાયન્સમાં મુકેશ અંબાણી અને તેમની ટીમે તેમના સાહસિક દ્રષ્ટિકોણ, સામાજિક હિતો પ્રત્યે સમર્પણ, નાવિન્યપૂર્ણ શ્રેષ્ઠતા અને વણથંભી અમલીકરણ સાથે રિટેલ અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ વૈશ્વિક નેતૃત્વ ઊભું કર્યું છે. ખૂબ જ ઓછા સમયમાં જિયોમાર્ટની સફળતા, ખાસ કરીને ત્યારે જયારે ભારત સહિત સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ મહામારી સામે ઝીંક ઝીલી રહ્યું છે ત્યારે આ સફળતા સાચા અર્થમાં અભૂતપૂર્વ છે તેના વિકાસનો સૌથી રસપ્રદ તબકકો હવે શરૂ થયો છે. રિલાયન્સની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજી આ દાયકાની અભૂતપૂર્વ ઘટના બની શકે છે. ભારતીય રિટેલ ક્ષેત્ર માટે રિલાયન્સના મિશનમાં સહભાગી થવા માટે અમને આપવામાં આવેલા આમંત્રણથી અમે રોમાંચિત છીએ.આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય સરકારી મંજૂરીઓને આધિન છે.  રિલાયન્સ રિટેલના નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી હતા અને કાયદાકીય સલાહકાર તરીકે સિરિલ અમરચંદ મંગળદાસ તથા ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ હતા. સિલ્વર લેક તરફે લેથમ એન્ડ વોટકિન્સ તથા શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની કાયદાકીય સલાહકાર હતા.

(2:42 pm IST)