Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પાક.નો અંકુશરેખા ઉપર ભીષણ ગોળીબાર, નાયબ સુબેદાર શહીદ

છેલ્લા ૨ સપ્તાહમાં ૧૦ આતંકવાદી માર્યા ગયા :પાક દ્વારા વર્ષમાં ૨૭૦૦થી વધુ વાર સીઝફાયરનો ભંગ

જમ્મુ, તા. ૩૦ : પાકિસ્તાની સેનાએ રવિવારે અંકુશ રેખા પર કરેલા ગોળીબારમાં સેનાના નાયબ સૂબેદાર શહીદ થયા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના નૌશેરામાં અંકુશ રેખા પર સીઝફાયરનો ભંગ કર્યો હતો. ભારતીય સેનાના પીઆરઓ (ડિફેન્સ) લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં નાયબ સૂબેદાર રાજવિંદરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમનું મોત થયું હતું.

રાજૌરી સેક્ટરમાં અંકુશ રેખા પર ગત મહિને પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ જવાન હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાશી હતો.

પાકિસ્તાને આ વર્ષે ૨૭૦૦થી વધુવાર સીઝફાયર વાયોલેશન કર્યું છે. ગત વર્ષે તેની સંખ્યા ૩૧૬૮ અને ૨૦૧૮માં ૧૬૨૯ હતી. આ દરમિયાન ૨૧ નાગરિકોના મોત થયા છે અને ૯૪ ઘાયલ થયા છે.

૧૭ અને ૧૮ ઓગસ્ટે બારામૂલાના કરીરી વિસ્તારમાં એક્નાઉન્ટ થયું હતું. આ દરમિયાન ૩ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. જેમાં લશ્કરના બે કમાંડર સજ્જાદ ઉર્ફ હૈદર અને ઉસ્માન સામેલ હતા. હૈદર બાંદીપોરા હત્યાઓનો મુખ્ય કાવતરું ઘડનારો હતો. ૧૯ ઓગસ્ટે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે એક્નાઉન્ટર થયા હતા. આ દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો હતો. આ દિવસે હંદવાડાના ગનીપોરામાં બે આતંકી ઠાર મરાયા હતા.

૨૮ ઓગસ્ટે શોપિયાંના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એકની ધરપકડ કરવામાં આવી હતી. આ અલ બદ્ર આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા. સેનાએ જણાવ્યું કે, આતંકીઓ પાસેથી બે AK-૪૭ અને ત્રણ પિસ્તોલ મળી આવી છે. અહીં છેલ્લા ૨ સપ્તાહમાં અત્યાર સુધી ૧૦ આતંકવાદી માર્યા ગયા છે.

(12:00 am IST)