Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ટ્રાફિકના નિયમો તોડવામાં કર્ણાટકનો યુવાન 'પાવરધો' ૧૧ મહિનામાં ૧૦૧ મેમા ફાટયા

એક દિવસમાં ફાટયા ૭ ટ્રાફિક મેમોઃ કુલ દંડની રકમ ૫૭ હજાર રૂપિયાથી વધુ

બેંગ્લોર, તા.૩૧: લોકોની સુરક્ષા માટે રાજય અને કેન્દ્ર સરકારી ટ્રાફિક નિયમો બનાવ્યા છે. કેટલાંક લોકો એક-બે વાર દંડ ભર્યાં બાદ સુધરી જાય છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા લાગે છે પરંતુ કેટલાંક લોકો સુધરતા નથી. આવો જ એક કિસ્સો કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સામે આવ્યો છે જયાં એક વ્યકિતએ ૧૧ મહિનામાં ૧૦૧ વાર મેમો ફાટ્યો, પણ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યકિતને તેના આ મેમા વિશે ખબર જ નહોતી.

બેંગલુરુની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા રાજેશ કુમાર દરરોજ પોતાના વાહનમાં ઓફિસ જાય છે. ગત બુધવારે તેઓ ઘરથી ઓફિસ જઈ રહ્યાં હતા. તેઓ ઓફિસ જઈ રહ્યાં હતા ત્યારે એક જગ્યાએ તેમણે સિગ્નલ તોડ્યું અને એ દરમિયાન ટ્રાફિક પોલીસે મેમો આપ્યો અને વાહનનો રેકોર્ડ તપાસ્યો તો ખબર પડી કે તે દિવસે જ તેના અન્ય ૬ મેમો ફાટી ચુકયા હતા અને આ સાતમો છે. આ વ્યકિતના વાહનની વધુ તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ વ્યકિતના પહેલા જ ૯૪ મેમો આવી ચુકયા છે અને કુલ ૧૦૧ ટ્રાફિક મેમો થયાં.

પોલીસ અધિકારીઓ પ્રમાણે તમામ મેમો મેળવીને તે શખ્સને ૫.૫ ફુટ લાંબી મેમોની કોપી સોંપવામાં આવી છે. અત્યાર સુધી તેણે એક પણ ચલણ ચુકવ્યું નહોતું. જેના કારણે તેની બાઈક પોલીસે જપ્ત કરી લીધી છે. તેના પર યુવકે પોલીસ અધિકારીઓ પાસે દંડ ચુકવવા ત્રણ દિવસનો સમય માંગ્યો છે. જો તેણે ત્રણ દિવસમાં દંડની રકમ ૫૭,૨૦૦ જમા નહી કરી તો મામલો કોર્ટમાં પહોંચશે અને પછી તેની બાઈક ત્યાંથી જ છૂટશે.

(10:50 am IST)