Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રામમંદિરના પાયાનું ખોદકામ અઠવાડીયામાં શરૂ થશેઃ અદ્યતન મશીનરી પરિસરમાં પહોંચી

મંજુરી બાદ ટ્રસ્ટ દ્વારા વિકાસ શુલ્કના લગભગ ૨.૫ કરોડ જમા કરાવાશે

અયોધ્યાઃ રામ જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણ માટે પાયાનું ખોદકામ અઠવાડીયામાં શરૂ થઇ જશે. એલએમ્ડીટી કંપનીના મશીનો પરિસરમાં પહોંચી ચૂકયા છે. રામ મંદિરનો પ્રસ્તાવિત નકશો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટ તરફથી અયોધ્યા વિકાસ પ્રાધીકરણને સોંપવામાં આવ્યો છે.

નકશામાં પાંચ એકર વિસ્તારની સાથે પુરા ૭૦ એકર જગ્યાનો લે આઉટ સામેલ છે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડો.અનીલ મિશ્રાએ જણાવેલ કે વિકાસ શુલ્કની એડવાન્સ રકમ નકશાની સાથે જમા કરવાઇ છે. પ્રાધિકરણ કુલ વિકાસ અને અન્ય શુલ્કનું આંકલન કરી જે પણ સુચના આપશે તે હિસાબથી બાકીની રકમ જમા કરાવાશે.

અનિલ મિશ્રાએ વધુમાં જણાવેલ કે એલએન્ડટી કંપનીના અનેક મશીનો પરિસરમાં પહોંચી ચૂકયા છે અને વધુ મોટા મશીનો અયોધ્યા આવવા નિકળી ગયા છે મને પુરી આશા છે કે નકશો મળતા જ આ અઠવાડીયાથી જ મંદિરના પાયાનું ખોદકામ શરૂ થઇ જશે.

જયારે પ્રાધિકરણ ઉપાધ્યક્ષ નીરજ શુકલાએ જણાવે કે એરપોર્ટ ઓથોરીટી, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, નગર નિગમ, ફાયર બ્રીગેડ સહીતના તંત્રની આપતીઓની નકશાની સાથે જમા કરાઇ છે. બધા કાગળનો તપાસ થઇ ચૂકી છે. ૨ સપ્ટેમ્બરે કમિશ્નર એમ.પી.અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠક યોજાનાર છે. વિકાસ શુલ્ક બોર્ડની મંજુરી બાદ લગભગ ૨.૫ કરોડ રૂપિયા ટ્રસ્ટે જમા કરાવાના રહેશે. મૂળ નકશો મોટા ટેબલના આકારનો છે. જેમાં સાથે નાના-નાના નકશાઓ પણ છે. જેમાં જમીનની પ્રસ્તાવીત યોજનાઓ દર્શાવાઇ છે. પાંચ એકર વિસ્તારમાં બનનાર રામ મંદિર ભવનના નકશામાં ઉંચાઇ-લંબાઇ પહોળાઇ છે.

આ સિવાયના વિસ્તારમાં કામ શરૂ થશે ત્યારે તેનો વિકાસ શુલ્ક વગેરે જમા કરાવાશે. એટલે જ મંદિર પરિસરના ૭૦ એકર વિસ્તારના લેઆઉટ નકશાનું પણ શુલ્ક જમા કરાવાયું છે.

પ્રાચીન મંદિરો તોડવાનું કામ ચાલુ

અયોધ્યમાં ભવ્ય રામ મંદિર નિર્માણના પાંચ એકર વિસ્તારમાં સીતા રસોઇ, જન્મ સ્થાન, સાક્ષી ગોપાલ, મંદિર, કોહબર ભવન અને માનસ ભવનના અડધા ભાગોને તોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જન્મ સ્થાન, સીતા રસોઇ મંદિરને તોડવામાં આવ ચૂકયુ છે. બાકીની ઇમારતો પણ જલ્દીથી તોડી પડાશે. જેમાંથી ઘણા મંદિરો ૨૫૦ વર્ષથી વધુ જુના છે અને જર્જરીત છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવેલ કે જે પ્રાચીન મંદિરો તોડવામાં આવ્યા છે તેના વિગ્રહોને સુરક્ષિત રખાયા છે અને મંદિર પરિસરમાં બનનાર નાના મંદિરોમાં તેમને ફરી સ્થાપિત કરાશે.

(12:58 pm IST)