Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજસ્થાનમાં કોરોનાના ગંભીર દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર : ગેહલોતની જાહેરાત

આઇસીયુ-ઓકસીજન વાળા બેડ ૩ થી ૪ ગણા કરવા નિર્દેશ

જયપુર, તા. ૩૧ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરતા જણાવેલ કે રાજયમાં કોરોનાના ગંભીર દર્દીઓને જરૂર પડયે ખાનગી હોસ્પિટલમાં પણ મફત ઇલાજ થશે. રાજય સરકારે સરકારી હોસ્પિટલમાં ઓકસીજન સાથેના બેડ તૈયાર કર્યા છે. ત્યાર બાદ ભવિષ્યમાં જો વધુ બેડની જરૂર પડશે તો ખાનગી હોસ્પિટલોનો સહયોગ લેવાશે, તે માટે કલેકટર દ્વારા સરકારે નક્કી કરેલ દર મુજબ ગંભીર દર્દીઓનો નિઃશુલ્ક ઇલાજ થશે.

ગેહલોતે કોરોના સ્થિતિની સમીક્ષા કરતા જણાવેલ કે સંકટમાં આ સમયે ખાનગી હોસ્પિટલ પોતાની જવાબદારી નિભાવતા આઇસીયુ અને ઓકસીજન બેડની સંખ્યા વધારે તેઓ લક્ષણ વિનાના દર્દીઓ માટે હોટલ સંચાલકો સાથે વાતચીત કરે જેથી ગંભીર દર્દીઓને બેડ મળી રહે. ઉપરાંત ગેહલોતે નિર્દેશ આપેલ કે રાજયના સંભાગીય સ્તરે મેડીકલ કોલેજથી ટાઇઅપ હોસ્પિટલો ઉચ્ચા પ્રેસરવાળા ઓકસીજન વાળા બેડ અને આઇસીયુ બેડ ત્રણથી ચાર ગણા વધારે. તેમણે અજમેર, અલવર, બીકાનેર, જયપુર, જોધપુર, કોટા, પાલી અને ઝાલાવડમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની વ્યવસ્થા સુદૃઢ બનાવવા નિર્દેશ કરેલ. જયારે જરૂરીયાત વાળા પરિવારોને રાજય સરકાર અનાજ પુરૂ પાડશે.

સાથો-સાથ જીલ્લા અધિકારીઓને જેઇઇ-નીટ પરીક્ષાઓમાં સામેલ થનાર વિદ્યાર્થીઓ માટે કેન્દ્રો ઉપર આવવા-જવા અને રહેવાની વ્યવસ્થા કરવા જણાવેલ. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્મા, સ્વાસ્થ્ય રાજય મંત્રી ડો. સુભાષ ગર્ગ, મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપ, એમ.એલ. લાઠર, નિરંજન આર્ય સહિતના વરિષ્ઠ અધિકારી હાજર રહેલ.

(4:12 pm IST)