Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કોર્ટના અનાદર કેસમાં વકીલ પ્રશાંત ભુષણને દંડ ભરવા માટે તેમના વકીલ રાજીવ ધવને આપ્‍યો હતો રૂ.1નો સિક્કોઃ તસ્‍વીર વાયરલ

નવી દિલ્હી: કોર્ટના અનાદર કેસમાં દોષિત ઠરેલા વકીલ પ્રશાંત ભૂષણને સજા પર ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે તેમને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં દંડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. દો દંડ ન ભરે તો તેવા સંજોગોમાં તેમને 3 મહિનાની જેલની સજા અને 3 વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરવા પર રોક લગાવવામાં આવશે. આ બધા વચ્ચે અચાનક પ્રશાંત ભૂષણનો એક રૂપિયા સાથેનો ફોટો વાયરલ થવા લાગ્યો. પ્રશાંત ભૂષણને દંડ ચૂકવવા માટેનો આ એક રૂપિયો તેમના વકીલ રાજીવ ધવને આપ્યો છે.

કોર્ટના ચુકાદા બાદ પ્રશાંત ભૂષણે ટ્વિટ કરીને જાણકારી આપી કે દંડની રકમનો આ એક રૂપિયો તેમને તેમના વકીલરાજીવ ધવને તરત આપ્યો અને મે તેનો આભારપૂર્વક સ્વીકાર કર્યો છે. અત્રે જણાવવાનું કે ગત સુનાવણીમાં પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ મામલે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ટ્વિટ ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી.  ત્યારબાદ કોર્ટે ભૂષણના વકીલને જ પૂછ્યું હતું કે તમે સલાહ આપો કે ભૂષણને શું સજા આપવી જોઈએ? સુપ્રીમ કોર્ટે ગત મંગળવારે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો.

ગત સુનાવણીમાં ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મૂરારીની બેન્ચે આ કેસમાં પ્રશાંત ભૂષણને દોષિત માન્યાં હતાં. કોર્ટે પાંચમી ઓગસ્ટે આ કેસમાં સુનાવણી પૂરી કરતા કહ્યું હતું કે તેના પર ચુકાદો પછી સંભળાવવામાં આવશે. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસએ બોબડે અને ચાર પૂર્વ સીજેઆઈને લઈને પ્રશાંત ભૂષણ તરફથી કરાયેલા બે અલગ અલગ ટ્વિટને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ અનાદરની કાર્યવાહી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી.

નોટિસના જવાબમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે સીજેઆઈની ટીકા સુપ્રીમ કોર્ટની ગરિમાને ઓછી કરતી નથી. બાઈક પર સવાર સીજેઆઈ અંગે ટ્વિટ કોર્ટમાં સમાન્ય સુનાવણી ન થવાને લઈને તેમની પીડાને દર્શાવે છે. આ ઉપરાંત ચાર પૂર્વ સીજેઆઈને લઈને ટ્વિટ પાછળ મારી સોચ છે જે ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી.

આ બાજુ પેનલે પ્રશાંત ભૂષણની તેમના ટ્વિટ બદલ માફી માંગવાનો ઈન્કાર કરવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે માફી માંગવામાં શું ખોટું છે? શું આ શબ્દો એટલા બધા ખરાબ છે? સુનાવણી દરમિયાન પેનલે ભૂષણને ટ્વિટ  અંગે ખેદ વ્યક્ત ન કરવા બદલના પોતાના વલણ પર વિચાર કરવા માટે 30 મિનિટનો સમય પણ આપ્યો હતો.

કોર્ટે સુનાવણી વખતે આ કેસમાં દોષિત પ્રશાંત ભૂષણને સજા મુદ્દે અટોર્ની જનરલ પાસે મત પણ માંગ્યો હતો. જેના પર અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે પેનલને કહ્યું હતું કે ભૂષણની ટ્વિટ એમ જણાવવા માટે હતી કે જ્યુડિશિયરીએ પોતાની અંદર સુધાર લાવવાની જરૂર છે. આથી ભૂષણને માફ કરવા જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભૂષણે ગત સોમવારે કોર્ટમાં જે પોતાનું વધારાનું નિવેદન દાખલ કર્યું છે તેમાં આશા હતી કે તેઓ પોતાના વલણમાં કઈંક સુધારો કરશે પરંતુ આમ કર્યું નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ભૂષણને તક આપી હતી. ભૂલ હંમેશા ભૂલ હોય છે અને સંબંધિત વ્યક્તિને તે મહેસૂસ થવું જોઈએ. કોર્ટની મર્યાદા છે. ભૂષણ કહ્યું કે તેઓ માફી માંગશે નહીં.

(5:40 pm IST)