Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

બેઠા પુલમાં તણાયેલા ત્રંબાના ઢાંઢણીના સુરેશ રાઠોડનો ૨૪ કલાકે પણ પત્તો નથીઃ વિધવા માતાનો એક જ આધાર

મિત્ર સાથે ત્રંબા આવ્યો'તોઃ પરત જતી વખતે પુલ પર ચાલતાં-ચાલતાં તણાઇ ગયોઃ ત્રણ સંતાનો, પત્નિ સહિતનો પરિવાર ચિંતામાં

રાજકોટઃ ગઇકાલે સવારથી શરૂ થયેલા ભારે વરસાદમાં ઠેકઠેકાણે લોકોને મુશિબતોનો સામનો કરવો પડ્યો હતો. ત્રંબાના ઢાંઢણી ગામનો સુરેશભાઇ શામાભાઇ રાઠોડ (કોળી) (ઉ.વ.૩૫) નામનો યુવાન ગઇકાલે સવારે ત્રંબા મિત્ર સાથે આવ્યો હતો. પરત પોતાના ગામ જવા વરસતા વરસાદે અને બેઠા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઇ રહ્યો હતો તેની વચ્ચે પગપાળા પુલ પસાર કરી રહ્યો હતો એ વખતે અચાનક વ્હેણ વધી જતાં બેલેન્સ ગુમાવતાં મિત્રની નજર સામે જ તણાઇ ગયો હતો. જે બાદમાં આગળ પાંચસો ફુટ દૂર આવેલા ડેમમાંથી કઇ રીતે ધસમસતા વ્હેણમાં વહી ગયો હતો. લોકોએ દોરડા નાખીને તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી. સાંજે એનડીઆરએફની ટીમે પહોંચી સુરેશને શોધવા મથામણ કરી હતી. અંધારૂ થઇ જતાં આજે ફરીથી શોધખોળ શરૂ થઇ હતી. સુરેશ વિધવા માતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સંતાનો, પત્નિ, માતા સહિતના સ્વજનો સુરેશનો ચોવીસ કલાક બાદ પણ પત્તો ન મળતાં ચિંતામાં મુકાઇ ગયા છે. તે પગપાળા મિત્ર સાથે પુલ ઓળંગતો હતો એ દ્રશ્ય (રાઉન્ડ કર્યુ છે તે) તથા કઇ રીતે વ્હેણમાં વહી ગયો તે દ્રશ્યોની તસ્વીર ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી.

(11:53 am IST)