Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાજયમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા-સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગૂના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ થશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે વડોદરા જિલ્લાના સાવલી ખાતે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.

તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ‘પાસા’ કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે ‘પાસા’ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવાનો અડગ નિર્ધાર કર્યો છે.

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, મુખ્ય મંત્રીશ્રી પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત  જાતિય સતામણી જેવા ગૂનાઓના પ્રમાણને કડક હાથે ડામી દેવા ‘પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં લાવવાના છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો પણ નિર્ધાર કર્યો છે તેમ શ્રી જાડેજાએ ઉમેર્યું હતું.

(5:24 pm IST)