Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

Whoની ચેતવણી

શિયાળામાં કોરોના ઉપાડો લેશેઃ મૃત્યુદર પણ વધશે

ન્યુયોર્ક, તા.૨૯: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ફરી એકવાર કોરોના સંક્રમણને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે શિયાળામાં ફરીથી એકવાર યૂરોપ સહિત દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ સમયે હોસ્પિટલોમાં એડમિટ થનારા દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુદરમાં પણ વધારો થશે. યૂરોપમાં WHOના રીજનલ ડાયરેકટરે હેનરી કલગે કહ્યું કે શિયાળામાં યુવાઓ વૃદ્ઘોની વધારે નજીક રહે છે આ કારણે સંક્રમણ વધી શકે છે.

હેનરી કલગે કહ્યું છે કે આવનારા મહિનામાં ૩ મુખ્ય કારણો પર ફોકસ કરાશે. તેમાં શાળાઓ ફરીથી ખોલાશે, શરદી, ઉધરસની સિઝનમાં વૃદ્ઘોના મોત વધશે. આ કારણોથી સંક્રમણ ઘાતક બની શકે છે. તેમનું કહેવું છે કે દુનિયાના દેશોએ તેની તૈયારી અત્યારથી કરી લેવી જોઈએ. અમેરિકામાં શાળાઓ ખોલવાને લઈને સંક્રમણ ફેલાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં મિસિસીપીની શાળામાં ૪૦૦૦ બાળકો અને ૬૦૦ ટીચરોને કવોરન્ટાઈન કરાયા છે.

WHOએ કહ્યું છે કે તેઓએ એક કમિટી બનાવી છે જે હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કરવાના નિયમ બદલશે. કોરોના મહામારી બાદ WHO પર દુનિયાને મોડી જાણકારી આપવાનો આરોપ છે. WHOએ ૩૦ જાન્યુઆરીના રોજ કોરોનાના કારણે હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કરી હતી. તેનો દાવો છે કે આ સમયે ચીનમાં ફકત ૧૦૦ કેસ હતા. જયારે WHOએ પોતાના નિયમોની સમીક્ષા કરવા એક કમિટિ બનાવી હતી. તેનાથી ખ્યાલ આવ્યો કે નિયમોમાં કોઈ ફેરફાર કરવો કે નહીં.

દક્ષિણ કોરિયામાં કોરોના વધવાના કારણે અહીના ડોકટર્સને તાત્કાલિક રીતે ફરજ પર હાજર થવા કહેવાયું છે. આમ છતાં ડોકટર્સ ૩ દિવસની હડતાલ પર કાયમ છે. સરકાર સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે. તો મિસ્ર્માં લોકડાઉન બાદ પહેલી વાર શુક્રવારે મસ્જિદ ખોલવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં લોકોએ નમાજ અદા કરી હતી. આ સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે માસ્કનો પણ ઉપયોગ કરાયો હતો.

(10:01 am IST)