Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગુડ્સ ટ્રેનથી ધોરાજીથી બાંગ્લાદેશ ડુંગળી મોકલાઇ

ભાવનગર રેલ મંડલ દ્વારા પહેલી વાર

ભાવનગર,તા. ૨૯: ભાવનગર રેલ મંડલે પહેલીવાર રાજકોટ જીલ્લાના ધોરાજીથી બાંગ્લાદેશ માટે ગુડ્ઝ ટ્રેન દ્વારા ડુંગળી મોકલી છે. બીડીયુ બનાવાયા બાદ આ મોટી સફળતા છે. મંડલ ઉપર ૭૨ કોચને કોવીડ સેન્ટરના રૂપમાં બદલાયા છે. રેલ્વે હોસ્પિટલમાં ૨૦૦ કોરન્ટાઇન બેડની વ્યવસ્થા કરાઇ છે. મંડલના રેલ પ્રબંધક પ્રતિક ગોસ્વામીએ વર્ચ્યુઅલ કોન્ફરન્સથી આ માહિતી આપેલ.

તેમણે જણાવેલ કે ૩૧ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવાઇ. જેમાં ૪૩,૬૦૨ યાત્રીઓને ઘર પહોંચાડાયેલ. ૨.૮૬ કરોડની આવક થયેલ. મોટા ભાગની ટ્રેન ભાવનગર ટર્મીનલથી ચલાવાયેલ.

આ ઉપલબ્ધી બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મંડલ પ્રશાસનને સ્મૃતિ ચિહન અને પ્રશસ્તિ પત્રથી સન્માનીત કરેલ. લોકડાઉનમાં પોરબંદરથી શાલીમાર વચ્ચે ૬૨ પાર્સલ ટ્રેનોનું સંચાલન પણ કરાયેલ. જેથી ૧.૦૭ કરોડની આવક થયેલ. ૧૩ ગુડ્સ શેડને અત્યાધુનિક બનાવવા શરૂઆત કરાઇ છે. જેમાંથી ત્રણ ભાવનગર ટીમ્બર ડીપો, આદ્રી રોડ અને ધોરાજીનું મોટા ભાગનું કામ પુરૂ થઇ ગયું છે.

ગત ૧૦ જૂનના રોજ સુરેન્દ્રનગરથી ધોલા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેકટ્રીક ટ્રેન ચલાવાઇ હતી. લોકોની રેલ્વેની જુની યાદો તાજા કરવા સંગ્રહાલય બનાવાયું છે. જે મંડલ કાર્યાલય, ભાવનગરમાં છે. આ તકે વરિષ્ઠ મંડલ વાણીજ્ય પ્રબંધક વી.કે. ટેલર તથા વરિષ્ઠ મંડલ પરિચાલન પ્રબંધક આશીષ ધાનીયા પણ હાજર રહેલ.

(3:30 pm IST)