Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

દેશમાં કોરોના : ૨૪ કલાકમાં વધુ ૭૮૫૧૨ કેસો વધી ગયા

કુલ આંકડો ૩૬ લાખને ઓળંગી ગયો : ભારતમાં ૬૦૮૬૮ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ્ય થયા, આ સાથે જ આંકડો વધીને ૨૭૭૪૮૦૧ સુધી પહોંચી ગયો

નવી દિલ્હી, તા. ૩૧ : ભારતમાં કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૬ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૭૮૫૧૨ કેસ નોંધાતા કુલ આંકડો ૩૬૨૧૨૪૫ સુધી પહોંચી ગયો છે. ૨૪ કલાકમાં ૯૭૧ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૪૪૬૯ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૭૮૧૯૭૫ એક્ટિવ કેસ છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૮૬૮ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૭૭૪૮૦૧ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૫૨૨૧૯૩૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૪૬૩૮૫ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૬૬૧૮૧૬૩ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૭૫૭૩૮૭ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

(9:17 pm IST)