Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કચ્છ : તળાવમાં ડૂબી જતા પિતા પુત્ર સહિત ૪ના મોત

માંડવી, મુન્દ્રામાં બનેલા ત્રણ અલગ અલગ બનાવોમાં પાણીએ લીધો ૪નો ભોગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : કચ્છમાં ભારે વરસાદ પછી જળાશયોમાં આવેલા નવા પાણીથી દૂર રહેવા તંત્રએ લોકોને અપીલ કરી હતી. તે વચ્ચે આજે પાણીમાં ડૂબવાથી ૪ માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો.

મુન્દ્રાના ભદ્રેશ્વરમાં તળાવમાં કપડાં ધોવા ગયેલા ૪૦ વર્ષીય વિધુર ભીમજી કમા પારિયાનું મોત નીપજયું હતું. જયારે માંડવીના બાડા ગામે તળાવમાં નહાવા પડેલા વણિક પિતા પુત્રના અરેરાટીભર્યા મોત નિપજયા હતા. જેન્તીલાલ ખેરાજ ગડા અને તેમનો પુત્ર બન્ને ગામના તળાવમાં નહાવા પડ્યા ત્યારે યુવાન પુત્ર હર્ષ ડૂબવા લાગતા તેને બચાવવાના પ્રયાસમાં પિતા જેન્તીલાલ પણ ડુબતા ૬૫ વર્ષીય પિતા અને ૨૨ વર્ષીય પુત્ર બન્નેના મોત નિપજયા હતા.

ત્રીજા બનાવમાં માંડવીના નાગલપર ગામે તળાવમાં નહાવા પડેલો ૧૪ વર્ષીય તરૂણ યશ મૂળજી મહેશ્વરીનું મોત નીપજયું હતું.

(11:22 am IST)