<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટ શહેરમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધઘટ જોવા મળી રહી છે, ત્યારે આજે, છેલ્લા 24 કલાકમાં વધુ ૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ નવા કેસોમાં રોયલ પાર્ક, વોર્ડ ૧૦ વિસ્તારના ૭૬ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે, જેમણે કોરોના રસીના ૩ ડોઝ લીધા છે અને તેમની કચ્છની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે, હાલ તેમની તબિયત સ્થિર છે. જ્યારે બીજો કેસ ગોવર્ધન સોસાયટી, વોર્ડ ૧૩ ના ૩૩ વર્ષીય પુરુષનો છે, જેમણે રસીના બે ડોઝ લીધા છે અને તેમની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી, તેમની તબિયત પણ સ્થિર છે. તા. ૧૯/૦૫/૨૫ થી આજરોજ સુધીમાં રાજકોટમાં કુલ ૨૨૯ કોવિડ-૧૯ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૦૬ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે હાલ ૨૩ દર્દીઓ સારવાર હેઠળ છે.11:47 AM IST

છેલ્લા પાંચ દિવસથી અમરેલી જિલ્લાના લીલીયા ગીર અને આસપાસના વિસ્તારોમાં દીપડાના ત્રાસથી સ્થાનિકો ભયભીત હતા. આ દીપડાએ બે વ્યક્તિઓ પર હુમલો કરીને તેમને ઇજા પહોંચાડી હતી, જેના કારણે લોકોમાં ભારે દહેશત વ્યાપી હતી. જોકે, આજે લીલીયા નજીક આવેલા માતૃકૃપા ફાર્મહાઉસમાંથી આ આદમખોર દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરે પુરાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. ડેડકડી રેન્જ સ્ટાફના શ્રી જે.એન. વાળા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર), એ.જી. મકવાણા, એસ.બી. ખુમાણ, ડી.એચ. ચિકાણી, દિલાભાઈ મોરી (ટ્રેકર), ભરતભાઈ (ટ્રેકર) અને રણજીતભાઈ (ટ્રેકર) ની ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. (સંદીપ બગથરીયા, અકિલા)10:12 PM IST